
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી આજે બપોરે 12 સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ભાગના આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફેલાયો છે. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સિસ્મોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સ્થાનિક લોકોને આ આંચકાઓએ 2001ની યાદ અપાવી દીધી છે.
6 કલાકમાં ભૂકંપના 11 આંચકા ગઇકાલે સાંજે 8 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં 11 આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જ્યારે તીવ્રતા 2.6 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. 2001ના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે.
ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર સતત ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચર્યોને જાણ કરી હતી.