
અત્યારે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ દિલ્હીમાં ભારતીય AI સ્ટાર્ટ અપ્સ સાથે બેઠક કરીને તેમને સરકાર તરફથી સહયોગ મળશે તેવી ખાતરી આપી છે. ત્યારે ટેકનોલોજીમાં હંમેશા આગળ રહેતું ગુજરાત હવે AIના ઉપયોગમાં પણ આગળ છે. ગુજરાત સરકારે માત્ર AI વિભાગ જ નથી બનાવ્યો પણ સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી મળે તે માટે નક્કર કામગીરી પણ શરૂ કરી દીધી છે.
દિવ્ય ભાસ્કરે આ અંગે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ના મેનેજર અંકિત સુથાર સાથે ખાસ વાતચીત કરીને જાણ્યું કે સરકારી કચેરીઓમાં AI કઇ રીતે ક્રાંતિ લાવી રહ્યું છે. અંકિત સુથાર AI અને સોફ્ટવેરને લગતું કામ સાંભળે છે.
ગિફ્ટ સિટી AIનું હબ બન્યું ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. અહીં હાલમાં 19 જેટલા સ્ટાર્ટઅપ્સ નવા-નવા સોલ્યુશન્સ બનાવી રહ્યા છે. સરકાર આ સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ અને ટેકનોલોજીના સાધનો પૂરા પાડે છે. અત્યાર સુધીમાં IAS અધિકારીઓથી લઇને સેક્રેટરી સુધીના 350થી વધુ ઉચ્ચ અધિકારીઓને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા નિષ્ણાતોએ ટ્રેનિંગ પણ આપી છે.

AI સેન્ટરના ઉદઘાટન સમયે સરકારે નાસકોમ અને માઇક્રોસોફ્ટ સાથે ટેકનોલોજી પાર્ટનર તરીકે એમઓયુ કર્યા છે. 5 વર્ષ માટે 30 કરોડનું બજેટ પ્લાન કર્યું છે. જેમાં AI ઇનોવેશન ચેલેન્જ, ટ્રેનિંગ, યુઝ કેસ ડેવલપિંગ વગેરેનો પણ સમાવેશ થાય છે.
30 સેકન્ડમાં અનાજનું ગ્રેડિંગ થશે સામાન્ય રીતે ખેડૂતો જ્યારે APMCમાં અનાજ વેચવા જાય ત્યારે તેની ગુણવત્તા અને ભેજ તપાસવામાં ઘણો સમય લાગે છે. ઘણીવાર ભાવમાં પણ અન્યાય થવાની શક્યતા રહે છે. ફૂડ એન્ડ સિવિલ સર્વિસ વિભાગના સચિવ મોના ખંધારના માર્ગદર્શન હેઠળ ખેડા અને નડિયાદમાં એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં AI મશીન માત્ર 30 સેકન્ડમાં અનાજની ક્વોલિટી ચેક કરી લેશે જેથી ખેડૂતોને તેમના પાકનો સાચો ભાવ અને ઝડપી પેમેન્ટ મળી શકશે. આ પ્રોજેક્ટમાં 100થી વધુ ખેડૂતોને સામેલ કરાયા છે. જો આ પ્રોજેક્ટનું સારૂં પરિણામ મળ્યું તો અન્ય જગ્યાએ પણ તેનો અમલ કરાશે.

રેલવે ટ્રેક પર પ્રાણી આવી જાય તો લોકોપાયલટને એલર્ટ મળશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ક્ષેત્રે એક સ્ટાર્ટ અપ એવું કામ કરી રહ્યું છે જેનાથી રેલવે ટ્રેક પર આવી જતાં પ્રાણીઓનો જીવ બચશે. જો કોઇ પ્રાણી રેલવે ટ્રેક પર આવી જાય તો કેમેરા અને AI લોકો પાયલટને તરત જ એલર્ટ આપશે. જેથી તે ટ્રેન રોકી શકે અને અકસ્માત સર્જાતો અટકાવી શકે.
112 પર આવતા ફેક કોલ પકડાઇ જશે! 112 નંબર પર આવતી ફરિયાદોમાં ઘણીવાર ફેક કોલ્સ આવતા હોય છે. હવે AI સિસ્ટમ એ ચેક કરશે કે સામેવાળી વ્યક્તિ કયા ટોનમાં વાત કરે છે, કયા શબ્દો વાપરે છે અને તેની ગંભીરતા કેટલી છે. ગુજરાતના સુરતી, કચ્છી, મહેસાણી જેવી બોલીના અલગ-અલગ લહેકા ઓળખવા માટે પણ એક મોડલ ટ્રેન કરવામાં આવી રહ્યું છે. જો કોઇ ફેક કોલ હશે તો AI તરત એલર્ટ આપશે.
આ અંગે અંકિત સુથારે કહ્યું કે, અમને ગૃહ વિભાગે આ કામગીરી આપી હતી. અમુક સિલેક્ટ થયેલી સ્ટાર્ટ અપ એન્જન્સી આના પર કામ કરી રહી છે. 112 પર કોલ આવ્યા બાદ કઇ વસ્તુમાં શું પગલાં લેવા જોઇએ તે નક્કી થશે. AI અત્યારે 100% પરિણામ નથી આપી શકતું એટલે માનવીય હસ્તક્ષેપની જરૂર પડશે.
'અમે AI સેન્ટર ઓફ એકસલેન્સમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી તથા સરકારના વિભાગોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આવકારીએ છીએ. એ પછી AIથી તેનો ઉકેલ લાવવાનો અને અમલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેથી નાગરિકોને સારી રીતે અને સમયસર સર્વિસ આપી શકાય અને ગુજરાત સરકારના કર્મચારીઓને પણ લાભ મળે.'