
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી આજે બપોરે 12 સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ભાગના આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફેલાયો છે. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સિસ્મોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સ્થાનિક લોકોને આ આંચકાઓએ 2001ની યાદ અપાવી દીધી છે.
6 કલાકમાં ભૂકંપના 11 આંચકા ગઇકાલે સાંજે 8 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં 11 આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જ્યારે તીવ્રતા 2.6 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. 2001ના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે.
ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર સતત ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચર્યોને જાણ કરી હતી.

આચાર્યએ જાતે નિર્ણય લઇ લેવો: જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી ધોરાજી અને જેતપુરમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. માહિતી મળી રહી છે કે ઉપલેટા અને ગોંડલમાં પણ અસર થઇ છે. જેને લઇને અહીંથી સૂચના આપવામાં આવી છે કે સ્થાનિકકક્ષાએ મામલતદાર અને શાળાના આચાર્યએ નિર્ણય લઇને જ્યાં જણાય ત્યા વિદ્યાર્થીઓને રજા આપી દેવી અને શિક્ષકોને શાળામાં હાજર રહેવું.
'ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવા' અત્યારે ધોરાજી અને જેતપુર બંને તાલુકાની તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઇ બિલ્ડિંગને ક્ષતિ થઇ હોય એમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવામાં સૂચના આપવામાં આવી છે. જેનો અમે પાછળથી સર્વે કરાવીશું. ધોરાજી તાલુકાની 48 શાળાઓ અને જેતપુર તાલુકાની 70 શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. અમે શાળાના આચાર્યોને જ સૂચના આપી છે કે તમને એવું લાગે તો તમે વિદ્યાર્થીઓને રજા આપી દેજો.

લોકોને ખોટી અફવામાં આવવું નહીં: મામલતદાર આ અંગે જેતપુર મામલતદાર એ.ડી.બાખલકીયાએ જણાવ્યું કે, અમે ટીડીઓ, ચીફ ઓફિસર અને શિક્ષણ વિભાગની મિટિંગ રાખી છે અને અમે એક કન્ટ્રોલરુમ ચાલુ કર્યો છે. લોકોને ખોટી અફવામાં આવવું નહીં અને એવું લાગે તો તમારે સુરક્ષિત જગ્યાએ જતા રહેવું અને અમારા કન્ટ્રોલરુમના મોબાઈલ નંબર 9429916996 પર સંપર્ક કરવો. શાળાઓમાં બાળકોને રજા આપવામાં આવી છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોને હાજર રહેવા માટે સૂચના આપી છે.

'પાણીના લેવલમાં ચેન્જ આવ્યો હોવાથી આંચકા અનુભવાયા' સિસ્મોલોજી વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ગઇકાલે રાતથી અત્યાર સુધી નાનામોટા 21 આંચકા નોંધાયા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે પાણીના લેવલમાં ચેન્જ આવ્યો હોવાથી પ્રેશર નીચે જતાં પુશ મળતાં આ આંચકા નોંધાયા હોઇ શકે છે. આ નુકસાન કારક આંચકા નથી, લોકોને ડરવાની જરૂર નથી પરંતુ લોકોને સાવચેત રહેવું જરૂરી છે.
‘આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર નીકળી ગયા’ ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણ આહીરે જણાવ્યું કે, ગઈ સાંજે અને આજે સવારે ધરતીકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. અમે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. આ આંચકાથી કોઈ જાતની નુકસાની થઈ નહોતી.